Research Paper
Submitted: 2025-02-01
Accepted: 2025-02-28
Published: 2025-03-15
Pages: 190-194
વર્તમાન સમયમાં શિક્ષણને વ્યક્તિના સર્વાંગી વિકાસ તથા સમાજના પ્રગતિશીલ નિર્માણનું મહત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે. શિક્ષણ દ્વારા વ્યક્તિમાં જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સામાજિક જવાબદારીનો વિકાસ થાય છે. છતાં, ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના વિદ્યાર્થીઓ વચ્ચે શૈક્ષણિક સુવિધાઓ, ગુણવત્તા અને તકોમાં નોંધપાત્ર અસમાનતા જોવા મળે છે. આ સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય અને શહેરી વિદ્યાર્થીઓ વચ્ચે રહેલી શૈક્ષણિક અસમાનતાનો તુલનાત્મક અને વિશ્લેષણાત્મક અભ્યાસ કરવાનો છે. આ અભ્યાસમાં શૈક્ષણિક સંસ્થાઓની ભૌતિક સુવિધાઓ, શિક્ષકોની ઉપલબ્ધતા અને ગુણવત્તા, વર્ગખંડ વ્યવસ્થા, પુસ્તકાલય, પ્રયોગશાળા, ડિજિટલ સાધનો, ઈન્ટરનેટ સુવિધા અને સહ-પાઠ્ય પ્રવૃત્તિઓ જેવા પરિબળોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ઉપરાંત માતા-પિતાની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ, પરિવારની આર્થિક સ્થિતિ અને સામાજિક વાતાવરણ જેવા પરોક્ષ પરિબળોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે. સંશોધનમાં વર્ણનાત્મક અને સર્વે આધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાઓ પાસેથી મુલાકાત અનુસૂચિ તથા ઇન્ટરવ્યૂ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવી છે. અભ્યાસ દર્શાવે છે કે શહેરી વિસ્તારોના વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ અને ટેક્નોલોજી ઉપલબ્ધ હોવાથી તેમનું શૈક્ષણિક પ્રદર્શન સામાન્ય રીતે વધુ સારું રહે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને સાધનોની અછત અને આર્થિક મર્યાદાઓનો સામનો કરવો પડે છે. તેથી ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ સુવિધાઓ મજબૂત બનાવવાની, ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવાની અને માતા-પિતામાં જાગૃતિ વધારવાની જરૂરિયાત છે.